બોંબ ધડાકા અંગે અમેરિકાએ ભારતની નબળાઈને ધીરજનું નામ આપીને વખાણ કર્યાં છે. આ સિવાય અમેરિકા વણમાગી સલાહ આપતા જણાવે છેકે બંને દેશોએ યુદ્ધના ગંભીર પરિણામો અંગે વિચારવું જોઈએ. ભઈ અહીં યુદ્ધની વાત ક્યાંથી આવી? અમારામાં તો લડવાની તાકાત જ ક્યાં છે? રોજે રોજ છુટા છવાયા હુમલામાં ભલે દેશના જવાનો શહીદ થાય પણ કાયદેસર યુદ્ધ કરવાની હિમ્મત ભારતીય નપાણિયા નેતાઓમાં નથી. શિસ્તબદ્ધતાના નામે જવાનોને પણ નાકામ બનાવી દેવાયા છે. સરહદી વિસ્તારોમાં ખાસ કરીને કાશ્મીર કે અન્ય આતંકવાદગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનોના માથે પળે પળ મોત ભમતુ હોય છે. કારણકે તેમને ખબર જ નથી હોતી કે કયો નાગરિક ક્યારે આતંકવાદી બનીને તેમના પર હુમલો કરી દેશે આવી સ્થિતિમાં જીવતા જવાનોની મનોદશા વિકૃત ના થાય તો જ નવાઈ. દેશના ઉત્તરના આંતકવાદગ્રસ્ત કે ઉત્તર-પૂર્વના નક્સલવાદગ્રસ્ત રાજ્યોમાં લશ્કરી દળોના અત્યાચારો સામે બૂમરાણ મચાવતા લોકોએ સૈનિકોની મનોદશાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. માથે સતત ઝળૂંબતો મોતનો ડર માણસને કંઈપણ કરવા મજબૂર કરી દે છે. લશ્કરી જવાનો દ્વારા કરાતાં અત્યાચારની બે-ચાર ઘટનાઓને માનવ અધિકારના ભંગના નામે ચગાવનારા લોકો આતંકવાદીઓ કે નક્સલવાદીઓ દ્વારા કરાતા અત્યાચારો સામે કેમ રાડો નથી પાડતાં. પાકિસ્તાનના જ નાગરિકો(આંતકવાદીઓ) ભારત પર હુમલો કરે છે તેમ જાણતુ હોવા છતાં દર વખતે અમેરિકા ભારતની કહેવાતી ધીરજના ખોટાખોટા વખાણ કરી ભારતને મલમ લગાવી પાકિસ્તાનને બચાવી લે છે.