Wednesday, June 8, 2011

ધર્મ અને રાજકારણ


બાબા રામદેવે ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને પાછા લાવવા માટે શરૂ કરેલા દેશવ્યાપી અભિયાનને કારણે ઘણાં ચોવટિયાઓના ભવાં ચઢી ગયા છે. આ લોકો એવુ માને છે કે ધર્મગુરુઓ એ  રાજકારણમાં ના પડવું જોઈએ. ધર્મ અને રાજકારણ એ બંને અલગ અલગ બાબત છે. મને ખબર નથી આ લોકોને કેટલા લોકો વિદ્વાન ગણે છે અને ગણે છે તો  કેમ ગણે છે? ધર્મ અને રાજકારણને એકબીજાથી ક્યારેય જુદા કરી શકાય જ નહીં. ધર્મનો સંકુચિત અર્થ કરનારાઓને આ બાબત પચાવતા નહીં આવડે. જો રાજકારણમાં વકીલ, ડોક્ટર, લેખક, એન્જિનિયર કે સફાઈ કામદારથી માંડીને અંડરવર્લ્ડનો ડોન જોડાઈ શકતો હોય તો ધર્મગુરુ કેમ નહીં? ઈનફેક્ટ આપણાં દેશમાં તો આલિયો, માલિયો કે જમાલિયો કોઈપણ રાજકારણમાં જોડાઈ શકે છે. 

ધર્મ અને રાજકારણ એ એક સિક્કાની બે બાજુ છે. ભારતના ઈતિહાસની જ વાત કરો તો અહીં એવા અસંખ્ય દાખલા મળી આવશે જેમાં ધર્મગુરુઓએ રાજાને સંકટ સમયે મદદ કરી મુસિબતમાંથી ઉગાર્યા હોય. રાજકારણમાં ધર્મ એટલે કોઈ ચોક્કસ ફિરકા કે પંથને માનવાની વાત નથી. અહીં ધર્મનો અર્થ નીતિમત્તાને અનુસરી  કોઈપણ પ્રકારના ભેદભાવ વગર રાજનો કારભાર ચલાવવો એમ જ થાય. વરિષ્ઠ લેખક કાન્તિ ભટ્ટ કહે છે કે બાબા રામદેવે રાજકારણમાં માથું માર્યુ તેથી હું તેમની ટીકા કરતો થયો. બાબાની ટીકા કરવા માટેનો તેમનો આ તર્ક તદ્દન અયોગ્ય છે. કોઈ વ્યક્તિ રાજકારણમાં જાય તેથી તેની ટીકા કરવાનું લોજિક શું? મેં આગળ જણાવ્યું તેમ કોઈપણ ફિલ્ડનો માણસ જો રાજકારણમાં જોડાઈ શકે તો બાબા કેમ નહીં? હું બાબાનો સમર્થક છું એવું માની લેવાની જરા પણ ભૂલ ના કરતાં.કાન્તિ કાકા એ બાબાની ટીકા કરવાનું પોતાનુ લોજિક સમજાવ્યું નથી. હશે ... આટલા વરિષ્ઠ અને સંમાનનિય કટાર લેખકથી પણ ક્યારેક ભૂલ થાય. 

બાબાનો હિડન એજન્ડા શું છે એ એમના સિવાય કદાચ કોઈને ખબર નથી, પરંતુ યુપીએ સરકારનો એજન્ડા તો ખબર પડી જ ગઈ છે. ભ્રષ્ટાચારના મહાસાગરમાં ખૂપેલી કોંગ્રેસની અધ્યક્ષતાવાળી આ સરકાર હજી સુધી ટકી રહી છે તે જ ભારતીય પ્રજાની વિર્યહિનતાનો સૌથી મોટો પુરાવો છે. જેઓ આ પરિવર્તન કરવા સક્ષમ છે તેમને તેમ કરવામાં રસ નથી અને જેને રસ છે તેમની પાસે ક્ષમતા નથી. નહીં તો અહીં પણ  4જૂન, 2011ના રોજ ઈજિપ્ત, લિબિયા કે સિરીયાનું પુનરાવર્તન થઈ ગયું હોત. 

જો બાબા ખરેખર ઠગ છે તો પછી આ ઠગને દિલ્હી એરપોર્ટ પર મનાવવા કેન્દ્ર સરકારના ચાર મંત્રીઓ શું કામ દોડી ગયા હતાં? કેમ દિગ્ગીને એ વખતે ખબર નહોતી કે બાબા ઠગ છે? કે પછી એઝ ઓલવેઝ મોડી ખબર પડી? બાબા એ કહ્યુ ના માન્યું એટલે અડધી રાત્રે તેમને અને તેમના અનુયાયીઓને ડંડાવાળી કરી. પેલી કહેવત છે ને કે નબળો ધણી બૈરી પર શૂરો. એમ કાશ્મીર, નક્સલવાદીઓ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોની આત્મહત્યા, પાકિસ્તાનની અડોડાઈ, અમેરિકન પ્રેશર વગેરે વચ્ચે ફસાઈ ગયેલી કોંગ્રેસની અધ્યક્ષતાવાળી યુપીએ સરકારે બિચારા નિર્દોષ સત્યાગ્રહીઓ પર દમનની લાઠીઓ વિંઝી પોતાનું  કહેવાતું પુરુષાતન બતાડવાનો હિન પ્રયત્ન કર્યો છે. જોઈએ હવે પ્રજાને આગામી લોકસભાની ચૂંટણી સુધી કેટલું યાદ રહે છે. કદાચ  લોકસભાની ચૂંટણી નિર્ધારિત સમય કરતાં વહેલી આવે તેવું પણ બને ! મને નથી લાગતું કે આપણાંમાં એટલું જોર હોય. આ બાબતે હું ખોટો પડું તો પણ મને ગમશે.

1 comment:

  1. Happy to see Goochham blog !
    Finally its patented :D
    Start a print version of Goochham sir

    ReplyDelete