Thursday, June 30, 2011

દેશના વડાએ જાહેરમાં પોતે નબળો નથી તેમ કહેવું પડે તેનાથી વધારે શરમજનક સ્થિતિ આ દેશ માટે શું હોઈ શકે


હું નબળો નથી એ કહેવાની જરૂર નથી પ્રજાને ખબર જ છે
યથા રાજા તથા પ્રજા, જે દેશના વડાએ જાહેરમાં પોતે નબળો નથી તેમ કહેવું પડે તેનાથી વધારે શરમજનક સ્થિતિ આ દેશ માટે શું હોઈ શકે. એક સમયે આર્થિક નિષ્ણાત, પ્રામાણિક ઓછા બોલાં અને શાંત વ્યક્તિની છાપ ધરાવતા આ વડાપ્રધાન હવે નબળાં અને કઠપૂતળી બની ગયા છે તે દેશના પાંચ વરિષ્ઠ તંત્રીઓ સાથેની તેમની મુલાકાતમાં તેમણે આપેલા જવાબો પરથી સ્પષ્ટ થાય છે.
દેશના પ્રિન્ટ મીડિયાના પાંચ વરિષ્ઠ તંત્રીઓ સાથેની વડાપ્રધાનની મુલાકાત બાદ મોટાભાગના સમાચાર માધ્યમોએ તેમની સ્તુતિ પ્રકાશિત કરી છે. વડાપ્રધાનની સમાચાર માધ્યમોના તંત્રીઓ સાથેની આ પ્રકારની આ બીજી મુલાકાત છે. પ્રસાર માધ્યમો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા, ઈનફેક્ટ સરકારની ધૂમિલ છબીને ઉજળી બનાવવા માટેનો આ આઈડિયા યુપીએના જે પણ ભેજાનો હોય પણ છે ખરેખર કાબિલે તારીફ. કાળા નાણાંનો કકળાટ, ભ્રષ્ટાચાર, બેફામ  મોંઘવારી, આતંકવાદ વગેરે મુદ્દે યુપીએ-2ની સદંતર નિષ્ફળતાને છુપાવવાની મજબૂરીને કારણે જ વડાપ્રધાને પોતાની સફાઈ આપવા મીડિયા સમક્ષ હાજર થવું પડે છે તે જગજાહેર છે. તેમાં તેમની કોઈ મહાનતા છે જ નહીં.

કોઈપણ તંત્રીને વડાપ્રધાનની સામે બેસીને તેમને તેમના કાર્યોનો હિસાબ માગવાની તક મળે તે જે તે તંત્રીના અંગત કેરિયર માટે બહુ મોટી બાબત ગણાય. જોકે અગાઉની જેમ જ આ વખતની મુલાકાતમાં પણ કોઈપણ તંત્રીએ ભ્રષ્ટાચારના મુદ્દે વડાપ્રધાનના ઉડાઉ જવાબોને પડકારવાનો પ્રયત્ન કર્યો નથી. દરેક વખતે મારો આત્મા શુદ્ધ છે, હું નબળો નથી, ભ્રષ્ટ લોકો સામે કડક હાથે કામ લેવામાં આવશે એવા બધાં લૂલા જવાબો આપનારા અને તે છાપનારા પણ દેશની પ્રજાને ડફોળ બનાવી રહ્યા છે. દરેક ગુનેગાર એમ જ કહે છે કે હું ગુનેગાર નથી  એટલે શું તેને નિર્દોષ માનીને જતો કરવાનો?
એક નવા શરૂ થયેલા મરાઠી દૈનિકના તંત્રી તો વડાપ્રધાન પર ઓવારી ગયા છે. આઝાદી પછીની સૌથી ભ્રષ્ટ સરકારના વડાને તાર્કિક સવાલો પુછી સત્ય બહાર લાવવાની જગ્યાએ તેમણે ભ્રષ્ટાચારના સમાચારો દર્શાવતી ઈલેક્ટ્રોનિક ચેનલોના માથે માછલાં ધોયા છે. વડાપ્રધાનના સૂચિત મૌનને તેઓ તેમની મહાનતામાં ખપાવવા મથી રહ્યા છે. વાસ્તવિક્તા તો એ છે કે વડાપ્રધાન પાસે આ તમામ મુદ્દે બોલવા જેવું કંઈ છે જ નહીં અને ખરેખર બોલવા પણ ઈચ્છતા હોય તો તેમને કોઈ બોલવા દે તેમ નથી. સરકારી સૂત્રો કહે છે કે વડાપ્રધાન હવે નિયમિત રીતે સમાચાર માધ્યમોને આ પ્રકારે મળતાં રહેશે. આમ કરવાથી શું ફેર પડશે? બુદ્ધિજીવી મનાતા લોકો એવી દલીલ કરે છે કે આમ કરવાથી લોકોને સરકારના વહીવટની પારદર્શિતાનો ખ્યાલ આવશે. સાવ વાહિયાત એવી દલીલ છે કારણકે જ્યારે પણ વડાપ્રધાન પત્રકારોને મળશે ત્યારે એકનું એક રટણ ચાલુ રાખશે કે અમે કડક પગલાં લઈ રહ્યાં છીએ, કાયદો તેનું કામ કરશે કે ગુનેગારોને છોડવામાં નહીં આવે વગેરે વગેરે.  
કાલે ઉઠીને તમે જેલમાં બેઠેલાં અફઝલ ગુરુ કે કસાબની મુલાકાત લેશો તો તેની પાસે પણ પોતાના બચાવ માટે રજૂ કરવા માટે હજારો દલીલો હશે, પછી શું કરવાનું ? વડાપ્રધાને લોકપાલના દાયરામાં આવવાની તૈયારી બતાવી છે તેમાં કંઈ હરખાવાની જરૂર નથી. પહેલી વાત તો એ છે કે તેમને જ નહીં પણ દેશભરના તમામ નાગરિકોને ખબર છે કે(કદાચ અન્ના હજારેને પણ) કે લોકપાલનું કોકડું યુપીએ સરકારની આ ટર્મમાં તો નહીં જ ઉકેલાય. બીજી અને મહત્વની બાબત કે લોકપાલની સત્તાઓ વિશે કોઈ સ્પષ્ટતા નથી અને કદાચ સ્પષ્ટતા થશે તો પણ લોકપાલ કંઈ વડાપ્રધાનને સજા કરવા જેટલી સત્તા તો નહીં જ ભોગવી શકે. વડાપ્રધાન કહે છે કે સિવિલ સોસાયટીના બિનચૂંટાયેલા સભ્યો સરકારને કોઈ વાત મનાવવા દબાણ ના કરી શકે, તો ભઈ તમે પોતે પણ ક્યાં લોકો દ્વારા ચૂંટાયેલા વડાપ્રધાન છો? જેટલી વખત ચૂંટણી લડ્યાં છો તેટલી વખત હાર્યા છો. દેશને 21મી સદીમાં લઈ જવાના બણગાં ફુંકતા મનમોહન રાહુલને વડાપ્રધાન બનાવવાની વાતને સમર્થન આપી દેશને વંશપરંપરાગત રાજાશાહી તરફ ધકેલી રહ્યા છે. શું કોંગ્રેસમાં રાહુલથી વધારે સમર્થ અને જનઆધાર ધરાવનાર યુવા નેતા નથી  જેઓ પોતાના દાદા-દાદી, મમ્મી-પપ્પાની આંગળી પકડ્યા વિના આપબળે આગળ આવ્યા હોય. કેમ તેમણે એવા કોઈ યુવા નેતાનું નામ પ્રજા સમક્ષ ના લીધું? કારણકે બોલવાની મંજૂરી દિગ્વિજયને છે મનમોહનને નહીં.

No comments:

Post a Comment